Romans 13

1દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર હોતો નથી; જે [અધિકારીઓ] છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે; 2એથી અધિકારીની સામે જે થાય છે તે ઈશ્વરના નિર્ણય વિરુદ્ધ થાય છે અને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાના પર શિક્ષા વહોરી લેશે.

3કેમ કે સારાં કામ કરનારને અધિકારી ભયરૂપ નથી, પણ ખરાબ [કામ કરનારને છે]. અધિકારીની તને બીક ન લાગે, તેવી તારી ઇચ્છા છે? તો તું સારું કર; તેથી તે તારી પ્રશંસા કરશે. 4કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે; પણ જો તું ખરાબ કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તરવાર રાખતો નથી; તે ઈશ્વરનો કારભારી છે, એટલે ખરાબ કરનારને તે કોપરૂપી બદલો આપનાર છે. 5તે માટે કેવળ કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ.

6વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે તેઓ ઈશ્વરના સેવક છે અને તે જ કામમાં લાગુ રહે છે. 7પ્રત્યેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર; જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.

8એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાળ્યો છે. 9કારણ કે ‘તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો એવી જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, ‘પોતાના પાડોશી પર પ્રેમ રાખવો.’ 10પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખોટું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે.

11સમય પારખીને એ [યાદ રાખો] કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાની વેળા આવી ચૂકી છે; કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો, તે કરતાં હાલ આપણો ઉધ્ધાર નજીક આવેલો છે. 12રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે; માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.

13દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ; મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા વાસનામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઇમાં નહિ. પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે, એટલે તેની દુષ્ટ ઇચ્છાઓને અર્થે, વિચારણા કરો નહિ.

14

Copyright information for GujULB